Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો
Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો
*કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે-કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે
નવસારી,તા.૧૨: નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે દિશા તરફ એક અનોખી પહેલ કરી જિલ્લા પંચાયત નવસારી દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટ ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેકટ થકી જિલ્લાની કિશોરીઓ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત, નીડર, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર બનવાની સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહી છે.
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષે મળેલ સારા પરિણામોને ઘ્યાને લઈ ચાલુ વર્ષે પણ આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ભણતી ધોરણ-૭ અને ૮ની કિશોરીઓ માટે આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી અન્ય વિષયો આનુસંગીક માર્ગદર્શનની સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી તેમજ કિશોરીઓના શારીરીક વિકાસ અર્થે જરુરી પૌષ્ટીક આહાર પુરો પાડવો વગેરેના આયોજન સાથેના “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ “ નો શુભારંભ આજરોજ કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રેના વરદ હસ્તે પ્રાથમિક શાળા એંધલ તા.ગણદેવી જી.નવસારી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, આઇસીડીએસ ચેરમેનશ્રી નિકિતાબેન પટેલ, શિક્ષણ ચેરમેનશ્રી શીલાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી, તેમજ એંધલ ગામના સરપંચશ્રી, એંધલ ગામના આગેવાનો, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. અતુલ ગજેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, સીડીપીઓશ્રી, આંગણવાડી વર્કર બહેનો, બી.આર.સી. કોડિનેટર, સી.આર.સી. કોડિનેટર, એંધલ શાળાના શિક્ષકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સક્ષમ યુવિકા યોજના વિશે સંબોધન કરવામાં આવ્યુ હતું અને જણાવ્યું હતું કે, સક્ષમ યુવિકા યોજના અંતર્ગત ચલાવવામાં આવતા સેશન થકી કિશોરીઓ સક્ષમ બની પોતાની રીતે પગભર થશે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તેમજ જણાવ્યુ કે વર્તમાન સમયના કિશોરીઓના વિકાસમાં હાલ માતાઓ વધુ ફાળો આપે છે તેમા પિતાઓએ પણ સક્રીય રીતે જોડાવુ જોઇએ. કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે. એમ ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા દ્વારા કિશોરીઓને સક્ષમ યુવિકા યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહક સંબોધન આપવામાં આવ્યું અને જણાવ્યુ કે જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૭૩૮૧ કિશોરીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના થકી નવસારી જિલ્લાની કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થશે. તેમજ તમામ પ્રવૃતિઓ દ્વારા કિશોરી સક્ષમ બનશે તેવા ઉદેશ્યો સાથે “સક્ષમ યુવિકા” યોજના હાથ ધરવામાં આવેલ છે. કિશોરીઓ આવતી કાલના સમાજ નિર્માણનું ભવિષ્ય હોય તેઓનો યોગ્ય વિકાસ થવો જ જોઇએ એમ ઉમેર્યું હતું.
સક્ષમ યુવિકા યોજનાના કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.અતુલ ગજેરા દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શિક્ષણ ચેરમેન શ્રીમતી શીલાબેન પટેલ દ્વારા વર્તમાન સરકાર કિશોરીઓના વિકાસ માટે સતત ચિંતીત છે અને કિશોરીઓ ઉજ્જ્વળ ભવિષ્ય સાથે આગળ વધે અને સફળતા મેળવે તેવા ધ્યેયથી કામગીરી કરી રહી છે એમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓનો વિદ્યાર્થીઓ, વાલીઓ,શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment